લગ્નની સિઝન શરૂ થતાં જ સામાન્ય લોકોના બજેટ પર વધુ એક માર પડ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવ ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મગફળી યાર્ડમાં ભરપૂર આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની જગ્યાએ સતત તેજી જોવા મળી રહી છે. singtel na bhav today
છેલ્લા એક મહિનામાં 15 કિલોના સિંગતેલના ડબ્બામાં અંદાજે રૂપિયા 200નો વધારો નોંધાયો છે. તાજેતરમાં તો એક જ દિવસમાં રૂપિયા 40 જેટલો ઉછાળો આવતા ગ્રાહકોની ચિંતા વધુ વધી ગઈ છે.
રાજકોટમાં ભાવ 2800 રૂપિયાની આસપાસ
હાલ રાજકોટમાં 15 કિલોના સિંગતેલના ડબ્બાનો સરેરાશ ભાવ 2800 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. લગ્નની સિઝન, ઘરમાં બારમાસી વપરાશ માટે તેલ સંગ્રહ કરવાની પરંપરા અને વધતી માંગને કારણે બજારમાં ભાવ પર દબાણ વધ્યું છે. તેની સીધી અસર સામાન્ય ઘરખર્ચ પર પડી રહી છે.
આવક છતાં ભાવ કેમ નથી ઘટતા?
રાજકોટ મગફળી યાર્ડમાં દરરોજ હજારો ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઈ રહી છે. સામાન્ય રીતે આવક વધે ત્યારે ભાવ ઘટવાની અપેક્ષા રહે છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે બજારમાં આવતી મગફળીમાં સારી ગુણવત્તાની અછત છે. મોટા પ્રમાણમાં આવક હોવા છતાં ગુણવત્તાવાળી મગફળી ઓછી મળતી હોવાથી તેલ ઉત્પાદન ખર્ચ વધી જાય છે, જે અંતે ભાવમાં વધારાનો કારણ બને છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા એક મહિનામાં જ સિંગતેલના ડબ્બામાં રૂપિયા 200 સુધીનો વધારો થયો છે, જેમાં તાજેતરના દિવસોમાં ભાવમાં અચાનક તેજી જોવા મળી છે.
અન્ય ખાદ્ય તેલ પણ મોંઘા
માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે. તાજેતરમાં કપાસિયા તેલમાં રૂપિયા 40 સુધીનો વધારો નોંધાયો છે, જ્યારે પામોલીન તેલ પણ રૂપિયા 30 સુધી મોંઘું બન્યું છે. તમામ વિકલ્પો મોંઘા બનતા ગ્રાહકો માટે સસ્તું તેલ પસંદ કરવું મુશ્કેલ બન્યું છે.
અગાઉ પણ આવી હતી આવી જ સ્થિતિ
આ અગાઉ નવેમ્બર મહિનામાં પણ મગફળીની આવક વધવા છતાં સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. તે સમયે 15 કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા 2415માંથી વધીને રૂપિયા 2625 સુધી પહોંચ્યો હતો. હાલ ફરી એકવાર યાર્ડમાં આવક હોવા છતાં ભાવ ઘટવાની બદલે વધતા જ જોવા મળી રહ્યા છે.
મગફળીના ભાવમાં પણ વધારો
મગફળીના ભાવમાં પણ છેલ્લા સમયમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ પ્રતિ મણ મગફળીના ભાવમાં રૂપિયા 200થી વધુનો વધારો નોંધાયો છે. પરિણામે તેલ ઉત્પાદકો માટે કાચા માલનો ખર્ચ વધી ગયો છે, જે અંતે ગ્રાહકો પર ભારરૂપ બન્યો છે.
ખાસ કરીને ઓર્ગેનિક અને ઘાણી પદ્ધતિથી બનેલા સિંગતેલના ડબ્બાના ભાવ તો રૂપિયા 3200 સુધી પહોંચી ગયા છે. આરોગ્ય જાગૃતિ વધતા આવા તેલની માંગ વધી રહી છે, જેના કારણે તેના ભાવ સામાન્ય સિંગતેલ કરતાં વધુ તેજીથી વધી રહ્યા છે.