Ambalal Patel Weather Forecast ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે. રવિ પાક કાપણીના તબક્કે પહોંચ્યો છે, ત્યાં જ હવામાન ફરી મિજાજ બદલી રહ્યું છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત **અંબાલાલ પટેલ**એ ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદ, એટલે કે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે.
તેમની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળશે, જેના કારણે વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.
હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના
અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્ય માટે અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં સમુદ્રી પેરામીટર્સ અને પશ્ચિમ વિક્ષેપની અસરથી હવામાનમાં મોટો ફેરફાર આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ડાંગ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જે આ આગાહીને વધુ મજબૂત બનાવે છે.
હજી પણ 2 ફેબ્રુઆરી સુધી માવઠું પડવાની શક્યતા હોવાનું તેમણે જણાવ્યું છે. હવે આ અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી
અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા ભારે હિમવર્ષા અને બરફના તોફાનની સ્થિતિ સર્જાઈ શકે છે. આ કુદરતી ઘટનાની અસર રાજસ્થાન મારફતે ગુજરાત સુધી પહોંચશે.
ખાસ કરીને પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ અથવા છાંટા પડવાની શક્યતા છે. 2 ફેબ્રુઆરી સુધી રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળી શકે છે.
આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
આગાહી મુજબ અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, રાજપીપળા અને વડોદરાના ભાગોમાં વાતાવરણ બદલાઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. કચ્છ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા નકારી શકાય નહીં.
પૂર્વ ગુજરાતમાં દાહોદ અને પંચમહાલના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છાંટા પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ બદલાયેલો દેખાઈ શકે છે.
રવિ પાકને લઈને ખેડૂતોની ચિંતા
હાલ રાજ્યમાં રવિ સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેતરોમાં જીરું, ચણા, ઘઉં અને મસાલાના પાક સારી સ્થિતિમાં છે. પરંતુ આ અચાનક બદલાયેલું વાતાવરણ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે.
ખાસ કરીને તૈયાર થવા આવેલા પાક માટે કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભેજ વધવાથી પાકની ગુણવત્તા પર અસર પડી શકે છે અને કાપણીમાં પણ વિલંબ થઈ શકે છે.